Ad Code

Ticker

6/recent/ticker-posts

અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, 4 હજાર કરોડના ખર્ચે નવો લુક થશે તૈયાર

અમદાવાદમાં આવેલ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર આ રેલવે સ્ટેશનની 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા રેલવે સ્ટેશનની ડિઝાઇનમાં કાલુપુર બ્રિજથી છેક સારંગપુર બ્રિજ સુધીનો વિકાસ કરવામાં આવશે. 

અમદાવાદ શહેરમાં એક પછી એક નવા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો પ્રોજેક્ટ, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવેલ અટલ બ્રિજ અને ત્યારબાદ કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે.

banner

અમદાવાદમાં રેલવે વિભાગની મેટ્રો તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે મિટિંગ મળી હતી. આ મિટિંગમાં કાલુપુર રેલવે સ્ટેશનને નવો લુક આપવા માટે ચાર પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક પ્લાન ન્યૂયોર્કમાં બનેલા હડસન હાઈલાઈન પાર્કનો છે. આ મિટિંગમાં આજ પ્લાનનું  પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

જો આ ડિઝાઇન પર કાલુપુર રેલવે સ્ટેશન બનશે તો એક અદભૂત નજારો જોવા મળશે. પ્રેઝન્ટેશનમાં જે નવું સ્ટેશન બનશે તે એરપોર્ટને પણ ટક્કર મારે તેવું દર્શાવવામાં આવ્યું છે. ડિઝાઇન તૈયાર થયા બાદ ટેન્ડરિંગની પ્રક્રિયા થશે. સ્ટેશનની સંપૂર્ણ ડિઝાઇન બનાવતા 1 વર્ષનો સમય લાગશે. ડિઝાઇન પ્રમાણે જુના ટ્રેકની સંખ્યા જાળવી રાખી અથવા નવા ટ્રેક બનાવાશે જેથી ટ્રેનની અવરજવર પર કોઈ અસર ન પડે. 

કાલુપુર રેલવે સ્ટેશન પર નવી ડિઝાઇન પ્રમાણે સ્ટેશનમાં ગાર્ડન, મોલ, એલિવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ બધું જ આધુનિક ટેકનોલોજી સાથે ઉભું કરાશે. મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે તેમજ વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બનાવાશે અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહેશે. હાલમાં રેલવે સ્ટેશન પર જેટલી મુસાફરોની સંખ્યા થાય છે તેમાં નવું સ્ટેશન બન્યા બાદ 4 ગણા વધુ મુસાફરો સમાવી શકાશે. 

કાલુપુર રેલવે સ્ટેશનની પાસે હેરિટેજ ઝૂલતા મિનારા હોવાથી તેને દૂર ના કરતાં તેને પણ ડેવલપ કરી અને નવો લુક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેથી હેરિટેજ સાઇટ જળવાઈ રહે. 


1930 માં અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન નાનું હતું, ત્યારબાદ 1966 થી સ્ટેશન પર 12 પ્લેટફોર્મ અને 16 ટ્રેક સાથે 200 ટ્રેનની અવરજવર કાર્યરત થઈ. ગત વર્ષે 2021 માં કાલુપુર રેલવે સ્ટેશનને સમય સાથે હેરિટેજ લુક આપવામાં આવ્યો અને હવે તેજ સ્ટેશનને ભારતનું સૌથી આધુનિક સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશનનો નવો લુક 2035 સુધીમાં તૈયાર કરવાનું પ્લાનિંગ છે.

Post a Comment

0 Comments

Ad Code